કૃપ
સંસારના આઠ ચિરંજીવીઓ માના એક, કૃપ હસ્તિનાપુરના રાજ પુરોહિત અને દ્રોણના સાળા હતા. તેમની સહોદર બહેન કૃપિના વિવાહ દ્રોણ સાથે કરવામાં આવ્યા હતા. તેમના પિતાનું નામ શરદવન તથા તેમની માતાનું નામ જનપદિ હતું. કુરુક્ષેત્રના યુદ્ધમાં તેઓ કૌરવો તરફથી લડ્યા હતા અને યુદ્ધ પછી તેઓ પરીક્ષિતના આચાર્ય બન્યા હતા.
જન્મ અને કાર્ય
[ફેરફાર કરો]મહર્ષી ગૌતમને શરદવન નામે એક પુત્ર હતો. શરદવન તીર સાથે જન્મ્યો હતો અને જન્મજાત ધનુર્ધર હતો. પોતાના બાળપણથી જ વેદોના અભ્યાસ કરતાં તેમને ધનુર્વિદ્યામાં વધારે રુચિ હતી. તેઓ ધ્યાન કરતા અને તેમણે સર્વ પ્રકારના યુદ્ધ કૌશલમાં પ્રાવીણ્ય મેળવ્યું હતું. તે એટલા મહાન ધનુર્ધર હતા કે કોઈ તેમને હરાવી શકવા સમર્થ ન હતું. આથી દેવોમાં ભયની લાગણી ફરી વળી, જેમાં ખાસ કરીને ઈંદ્ર ખૂબ જ ભયગ્રસ્ત હતાં. તેમણે આ સક્ષમ ઋષિની સાધના ભંગ કરવા સ્વર્ગમાંથી એક સુંદર અપ્સરાને મોકલી. જનપદી નામની તે અપ્સરા તેમની પાસે આવી અને ભાત ભાતની કળા અજમાવી, તેમને આકર્ષવા લાગી. આવી સુંદર અપ્સરાને જોઈ શરદવન પોતાના પરનું નિયંત્રણ ગુમાવવા લાગ્યાં. જેમ કે તેઓ મહાન સંત હતા એટલે તેઓ પોતાના મનની ઈચ્છાઓ અને ભાવનાઓ પર કાબુ જાળવી શક્યા, પણ તેમની એકાગ્રતા તૂટી ગઈ અને તેમના હાથમાંથી ધનુષ્ય બાણ છટકી ગયાં. તેમનું વીર્ય રસ્તાની બાજુ પર આવેલ ઝાંખરા પર પડ્યું, જેના બે ટુકડા થયા. તેમાંથી એક બાળક અને એક કન્યા ઉત્પન્ન થયાં. ઋષિ ત્યારબાદ આશ્રમ છોડી વનમાં તપસ્યા કરવા ચાલ્યા ગયા. સંજોગવસાત- રાજા શંતનુ- પાંડવોના પરદાદા- તે સમયે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમણે રસ્તામાં બે બાળકોને પડેલાં જોયાં. તેમને જોઈ- એક જ નજરે રાજા ઓળખી ગયા કે આ મહાન ધનુર્ધારી બ્રાહ્મણનાં જ સંતાન છે. તેમણે તેમને કૃપ અને કૃપી નામ આપ્યાં અને તેમને પોતાના મહેલમાં લઈ જવાનો નિર્ણય કર્યો. જ્યારે આ વિષે શરદવનને ખબર પડી, ત્યારે તે મહેલમાં આવ્યો અને પોતાની ઓળખ આપી અને બાળકોના જે સંસ્કાર હોય તે કર્યાં. તેમણે બાળકોને ધનુર્વિધ્યા, વેદ અને અન્ય શાસ્ત્રોનો તેમ જ વિશ્વના રહસ્યોનું જ્ઞાન આપ્યું. આ બાળકો મોટા થઈ યુદ્ધકળામાં પારંગત બન્યા. આ બાળક આગળ જઈ કૃપાચાર્ય નામથી ઓળખાયા, જેમને બાળ રાજ કુમારોને યુદ્ધકળા શીખવવાનું કાર્ય સોંપવામાં આવ્યું.