ગોપાલ કૃષ્ણ ગોખલે
ગોપાલ કૃષ્ણ ગોખલે | |
---|---|
ગોખલે (૧૯૦૯) | |
જન્મની વિગત | કોટલુક, રત્નાગિરી જિલ્લો, મુંબઈ પ્રાંત, બ્રિટીશ ભારત | 9 May 1866
મૃત્યુની વિગત | 19 February 1915 મુંબઈ પ્રાંત, બ્રિટીશ ભારત | (ઉંમર 48)
શિક્ષણ સંસ્થા | એલફીસ્ટન મહાવિદ્યાલય |
વ્યવસાય | પ્રાધ્યાપક, રાજકારણી, અર્થશાસ્ત્રી, તત્વજ્ઞાની, લેખક, ક્રાંતિકારી |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવનસાથી | સાવિત્રીબાઇ (૧૮૮૦-૧૮૮૭) રીશીબામા (૧૮૮૭-૧૮૯૯) |
સંતાન | ૨ (કાશીબાઇ, ગોધુબાઇ) |
માતા-પિતા | પિતા: કૃષ્ણા રાવ ગોખલે માતા: વાલુબાઇ |
ગોપાલ કૃષ્ણ ગોખલે (૯ મે, ૧૮૬૬ – ૧૯ ફેબ્રુઆરી, ૧૯૧૫)[૧][૨][૩][૪] ભારતીય સ્વતંત્રતા ચળવળના ઉદારવાદી રાજનેતા અને સમાજ સુધારક હતા. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ‘સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી’ના સ્થાપક હતા. સોસાયટી ઉપરાંત કોંગ્રેસ તેમજ અન્ય ધારાસભા એકમોની મદદથી તેમણે સ્વશાસન અને સમાજ સુધારણા અભિયાન ચલાવ્યા. તેઓ કોંગ્રેસ પક્ષના ઉદારવાદી જૂથના નેતા હતા જેમણે પ્રવર્તમાન સરકારી સંસ્થાઓ સાથે કામગીરી કરીને સુધારાઓની હિમાયત કરી.
પ્રારંભિક જીવન
ગોપાલ કૃષ્ણ ગોખલેનો જન્મ બ્રિટીશ ભારતના મુંબઈ પ્રાંત અંતર્ગત રત્નાગિરી જિલ્લાના કોટલુક ગામે ૯ મે ૧૮૬૬ના રોજ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં તેમના પરિવારના સભ્યોએ તેમને અંગ્રેજી માધ્યમની શાળામામ્ં પ્રવેશ અપાવ્યો જેથી ગોખલે બ્રિટીશ રાજમાં કારકૂન કે સામાન્ય અધિકારી તરીકે નોકરી મેળવી શકે. તેમણે કોલ્હાપુરની રાજારામ કોલેજમાં અભ્યાસ કર્યો. વિશ્વવિદ્યાલયમાંથી શિક્ષણ પ્રાપ્ત કરનારા ભારતીયોની પ્રથમ પેઢી પૈકીના એક તરીકે ગોખલેએ ૧૮૮૪માં એલફીસ્ટન મહાવિદ્યાલયમાંથી સ્નાતકની પદવી મેળવી. ગોખલેના ઉચ્ચ શિક્ષણે તેમની ભવિષ્યની કારકિર્દીને ઘણી હદે પ્રભાવિત કરી. અંગ્રેજી શીખવા ઉપરાંત તેઓ પશ્ચિમી રાજનૈતિક વિચારોના સંપર્કમાં આવ્યા તથા જ્હોન સ્ટુઅર્ટ મિલ અને એડમંડ બર્ક જેવા સિદ્ધાંતકારોના પ્રશસંક બન્યા.[૧][૩][૪]
કોંગ્રેસ, તિલક અને સુરત મતભેદ
ગોખલે ૧૮૮૯માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય બન્યા. બાલ ગંગાધર તિલક, દાદાભાઈ નવરોજી, બિપિનચંદ્ર પાલ, લાલા લાજપતરાય, એની બેસન્ટ જેવા સમકાલીન નેતાઓની સાથે ગોખલે પણ સામાન્ય ભારતીયો માટે સાર્વજનિક વિષયો પર વધુ રાજનૈતિક પ્રતિનિધિત્ત્વ અને શક્તિ પ્રાપ્ત કરવા માટે દશકો સુધી સંઘર્ષરત રહ્યા.[૧][૨][૩][૪]તેમણે આયરલેન્ડનો પ્રવાસ કર્યો[૧][૩][૪] અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આયરીશ રાષ્ટ્રવાદી અલ્ફ્રેડ વેબની નિમણુંક કરી. આગામી વર્ષે તેઓ તિલક સાથે કોંગ્રેસના સંયુક્ત સચિવ બન્યા. ઘણે અંશે તિલક અને ગોખલેની શરૂઆતની કારકિર્દી સમાંતરે રહી. બન્ને ચિતપવન બ્રાહ્મણ હતા, બન્ને એલફીસ્ટન મહાવિદ્યાલયના વિદ્યાર્થી હતા, બન્ને ગણિતના પ્રાધ્યાપક હતા અને બન્ને ડેક્કન એજ્યુકેશનલ સોસાયટીના મહત્ત્વપૂર્ણ સભ્યો હતા. જોકે ભારતીયોના જીવનને વધુ બહેતર બનાવવાના વિષયમાં બન્નેના વિચારોમાં મતભેદ રહ્યો. [૧][૩][૪][૫]
ગોખલે અને તિલક બન્ને ૨૦મી સદીના શરૂઆતના પ્રથમ કક્ષાના રાજનેતાઓ હતા પરંતુ તેમની વિચારધારાઓમાં મતભેદ રહ્યા. ગોખલે ઉદારવાદી મત ધરાવતા હતા જ્યારે તિલક કટ્ટરપંથી વિચાર ધરાવતા હતા અને સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે બળપ્રયોગ કરવાના પક્ષધર હતા. ગોખલેના મતે સ્વશાસન મેળવવાનો સાચો રસ્તો સંવૈધાનિક સાધનોનો ઉપયોગ કરી બ્રિટીશ શાસનનો સહયોગ કરવાનો હતો જ્યારે તેનાથી વિપરિત તિલકનો મત વિરોધ, બહિષ્કાર અને આંદોલનનો હતો.[૧][૩][૪]
૧૯૦૭ના સુરત અધિવેશનમાં નરમપંથી (મવાલપક્ષ) અને ચરમપંથી (જહાલપક્ષ) વચ્ચેના મતભેદો સપાટી પર આવી ગયા જેની દેશના રાજનૈતિક ઘટનાક્રમ પર ખૂબ જ પ્રતિકૂળ અસર પડી. બન્ને પક્ષો રાજકીય મતભેદોના પગલે કોંગ્રેસના સંગઠન પર કબજો જમાવવાની લડાઈ લડતા રહ્યા. તિલક લાલા લજપતરાયને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાના પક્ષધર હતા પરંતુ ગોખલે રાસ બિહારી ઘોષને અધ્યક્ષ બનાવવા ઇચ્છતા હતા. સમાધાનની કોઈ શક્યતા ન હતી. તિલકને નવા અધ્યક્ષની પસંદગીના સમર્થનમાં પ્રસ્તાવ સંશોધનની મંજૂરી ન આપવામાં આવી. સંમેલન સ્થળ પર ખુરશીઓ તોડવામાં આવી. મંચ પર છત્રીઓ, લાઠીઓ અને જૂતાં ફેંકવામાં આવ્યા. પરિસ્થિતિ વણસતાં છૂટ્ટા હાથે મારામારી પણ થઈ. જ્યારે લોકો તિલકને મારવા માટે મંચ પર ધસી આવ્યા, ગોખલે તેમની રક્ષા માટે વચ્ચે ઊભા રહ્યા. અધિવેશન સમાપ્ત થયું પરંતુ કોંગ્રેસમાં ફૂટ પડી ગઈ.[૧][૩][૪] ઘટનાનો પ્રત્યક્ષદર્શી અહેવાલ માન્ચેસ્ટરના ગાર્ડિયન પત્રિકાના રિપોર્ટર નેવિસને લખ્યો હતો.[૧][૩][૪][૬]
જાન્યુઆરી ૧૯૦૮માં તિલકની રાજદ્રોહના આરોપસર ધરપકડ કરવામાં આવી અને છ વર્ષના જેલવાસ માટે મંડાલય મોકલી દેવાયા. પરિણામે નરમપંથીઓને મોકળું રાજનૈતિક મેદાન મળી ગયું. તિલકની ધરપકડ સમયે ગોખલે ઇંગ્લેન્ડમાં હતા. ભારતના રાજ્ય મંત્રી લોર્ડ મોર્લેએ તિલકની ધરપકડનો વિરોધ કર્યો પરંતુ વાઇસરોય લોર્ડ મિન્ટોએ તિલકની પ્રવૃત્તિઓને દેશદ્રોહી માની કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે તેમની ધરપકડ જરૂરી માની.[૧][૩][૪]
તિલક સાથેના તેમના મતભેદોનું એક કારણ એ પણ હતું કે બ્રિટીશ સરકાર દ્વારા ૧૮૯૧–૯૨માં ધ એજ્ ઓફ કન્સેન્ટવિધેયક પસાર કરવામાં આવ્યું. ગોખલેએ આ વિધેયકને હિંદુ ધર્મમાં પ્રવર્તમાન અંધવિશ્વાસ અને દુર્વ્યવહારને સમાપ્ત કરવાના પગલાં તરીકે જોયું અને બાળવિવાહને અટકાવતા આ વિધેયકનું સમર્થન કર્યું. વિધેયક કઠોર ન હતું. ફક્ત લગ્નની વયમર્યાદા ૧૦ વર્ષથી વધારીને ૧૨ વર્ષ કરવામાં આવી હતી. બાળવિવાહ સમાપ્ત કરવાના મુદ્દા પર તિલકને વાંધો ન હતો પરંતુ તેમણે હિન્દુ પરંપરા પર બ્રિટીશ હસ્તક્ષેપનો પુરજોરમાં વિરોધ નોંધાવ્યો. તિલકના મતે સુધાર આંદોલનો બ્રિટીશ શાસન હેઠળ લાગુ ન કરતાં સ્વતંત્રતા મેળવી ભારતીયો સ્વયં તેને લાગુ કરે. જોકે પ્રસ્તાવિત વિધેયક બોમ્બે પ્રેસીડેન્સીમાં કાયદાનું સ્વરુપ ધારણ કરવામાં સફળ રહ્યો હતો.[૧][૩][૪][૭] બન્ને નેતાઓ વચ્ચે પૂના સાર્વજનિક સભા પર નિયંત્રણ મેળવવાની હરીફાઈ હતી. ૧૮૯૬માં ગોખલે દ્વારા ડેક્કન એજ્યુકેશનલ સોસાયટીની સ્થાપના એ તિલક સાથેની સ્પર્ધાનું પરીણામ હતું.[૧][૩][૪][૮]
સંદર્ભ
- ↑ ૧.૦૦ ૧.૦૧ ૧.૦૨ ૧.૦૩ ૧.૦૪ ૧.૦૫ ૧.૦૬ ૧.૦૭ ૧.૦૮ ૧.૦૯ ૧.૧૦ Talwalkar, Govind (2015). Gopal Krishna Gokhale : Gandhi's political guru. New Delhi: Pentagon Press. ISBN 9788182748330. OCLC 913778097.
- ↑ ૨.૦ ૨.૧ Sastri, Srinivas. My Master Gokhale.
- ↑ ૩.૦૦ ૩.૦૧ ૩.૦૨ ૩.૦૩ ૩.૦૪ ૩.૦૫ ૩.૦૬ ૩.૦૭ ૩.૦૮ ૩.૦૯ ૩.૧૦ Talwalkar, Govind (2006). Gopal Krishna Gokhale: His Life and Times. Rupa & Co,.
- ↑ ૪.૦૦ ૪.૦૧ ૪.૦૨ ૪.૦૩ ૪.૦૪ ૪.૦૫ ૪.૦૬ ૪.૦૭ ૪.૦૮ ૪.૦૯ ૪.૧૦ Talwalkar, Govind (2003). Nek Namdar Gokhale (Marathiમાં). Pune, India: Prestige Prakashan.CS1 maint: unrecognized language (link)
- ↑ Masselos, Jim (1991). Indian Nationalism: An History. Sterling Publishers. પૃષ્ઠ 95. ISBN 978-81-207-1405-2.
- ↑ Masselos, Jim (1991). Indian Nationalism: An History. Sterling Publishers. પૃષ્ઠ 95. ISBN 978-81-207-1405-2.
- ↑ Brown, D. Mackenzie (1961) Indian Political Thought from Ranade to Bhave, Los Angeles: University of California Press, p. 77.
- ↑ Bandyopadhyay, Sekhar (2015). From Plassey to Partition and After. Orient Blackswan Private Limited. પૃષ્ઠ 248. ISBN 978-81-250-5723-9.